- 10 Apr, 2026
- 28
Kadi News: એમ-માર્ટ પાસેથી ગૌવંશની ચોરી કરનાર પકડાયો, સ્કોર્પિયોમાં ક્રૂરતાપૂર્વક વાછરડા ભરી કતલખાને મોકલ્યાની કબૂલાત
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં એમ-માર્ટ મોલ પાસેથી ગૌવંશની ચોરીની ઘટનામાં પોલીસે સપાટો બોલાવ્યો છે. ગાયના વાછરડાને સ્કોર્પિયો ગાડીમાં અત્યંત ક્રૂરતાપૂર્વક ભરીને લઈ જવામાં આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે કડી પોલીસે વોચ ગોઠવી GJ-18-NM-7693 નંબરની શંકાસ્પદ ગાડીનો પીછો કર્યો હતો. પોલીસને પાછળ આવતી જોઈ આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સફળતાપૂર્વક ફિલ્મી ઢબે પીછો કરી આરોપી નાસીર પઠાણને ઝડપી લીધો હતો.
ગાડીમાંથી મળી આવી ખોટી નંબર પ્લેટો, કતલખાને મોકલ્યાની કબૂલાત
પોલીસ તપાસ દરમિયાન આરોપી નાસીર પઠાણ પાસેથી ગાડીની ખોટી નંબર પ્લેટો પણ મળી આવી છે, જેનો ઉપયોગ તે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરી છે કે તેણે ચોરી કરેલા વાછરડાને કતલખાને મોકલી દીધા છે. સ્કોર્પિયો જેવી લક્ઝરી ગાડીમાં ગૌવંશની હેરાફેરી કરતું આ હાઈપ્રોફાઈલ નેટવર્ક પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
વધુ બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસના ચક્રો ગતિમાન
પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગુનામાં માત્ર નાસીર જ નહીં, પરંતુ અન્ય સાગરીતો પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં સામેલ વાસીલ અને તૌફીક નામના અન્ય બે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને શોધખોળ તેજ કરી છે. ગૌવંશની ચોરી અને ક્રૂરતા મામલે કડી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેથી આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.











