- 01 Apr, 2026
- 72
Junagadh News: માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ, ઉત્પાદન ઘટતાં ભાવમાં પણ મોટો તફાવત
ગુજરાતમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે. ગરમીની સાથે વરસાદ પણ હાજરી આપી રહ્યો છે.વાવાઝોડા અને માવઠાને કારણે કેરીના પાકને નુકસાન થવા પામ્યું છે.આ સ્થિતિમાં કેરી રસિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં કેરીની આવક શરૂ થતાં ભાવમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે.
વાવાઝોડુ અને માવઠાને કારણે કેરીનું ઉત્પાદન ઘટ્યું
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં કેસર કેરીના 3200 બોક્સની આવક થઈ છે. શરૂઆતમાં આ કેરીનો 10 કિલોનો ભાવ એક હજારથી 4200 રૂપિયા સુધી બોલાયો હતો. આ વખતે કેરીના પાકમાં મોટો ઘટાડો નોંધાયો છે. વાવાઝોડુ અને માવઠાને કારણે કેરીનું ઉત્પાદન ઘટ્યું છે. સિઝનની શરૂઆતમાં કેરીના ભાવ આસમાને પહોંચ્યા હતાં. પરંતુ હવે આવક વધતા ભાવ ₹1000 થી ₹1700ની સપાટીએ પહોંચ્યા છે.
ખેડૂતો અને ઈજારદારો આર્થિક સંકટમાં ફસાયા
કેરીનું ઉત્પાદન કરતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વખતે ઉત્પાદન અડધું થયું છે. હવામાનમાં સતત આવી રહેલા પલટાને કારણે ઝાડ પરથી કેરી ખરી પડતાં ઉત્પાદન ઘટી ગયું છે. નાની કેરી ખરી પડતાં ખેડૂતો અને ઈજારદારો આર્થિક સંકટમાં ફસાયા છે. કેરીના પાકના ઉત્પાદન માટેના ખર્ચ સામે જોઈએ તેવું વળતર નહીં મળતાં ખેડૂતો સરકાર પાસે મદદની માગ કરી રહ્યાં છે.











