તાજા સમાચાર

સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, 120માંથી અંદાજે 45 ઉમેદવારોને ફોન પર ટિકિટ કન્ફર્મ હોવાની જાણકારી આપી દેવામાં આવી છે. ફોર્મ ભરવાના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે સાંજ સુધીમાં સત્તાવાર યાદી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

 

નો રિપીટ થીયરી અને વય મર્યાદાનો મોટો ફટકો

ભાજપ આ વખતે 'નો રિપીટ થીયરી' પર ભાર મૂકી રહી હોય તેવું જણાય છે. ગત ટર્મના 93 કોર્પોરેટરોમાંથી માત્ર 20 થી 30 ટકાને જ રિપીટ કરવામાં આવે તેવી શક્યતા છે. ખાસ કરીને 60 વર્ષની વય મર્યાદાને કારણે 13 જેટલા અને ત્રણ ટર્મ પૂરી કરી ચૂકેલા 6 મળીને કુલ 19 જેટલા દિગ્ગજ કોર્પોરેટરોના પત્તા કપાઈ ગયા છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, કેતન મહેતા અને સોનલ દેસાઈ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.

નવા ચહેરા અને મોટા નામ

સૂત્રોના જણાવ્યા અનુસાર, વોર્ડ નંબર 6 માંથી પૂર્વ મેયર દક્ષેશ માવાણી ફરી એકવાર ચૂંટણી જંગમાં ઉતરશે. બીજી તરફ, પાસ (PAAS) ના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા પટેલ અને ધાર્મિક માલવિયાને વોર્ડ નંબર 2 માંથી ટિકિટ મળવી નિશ્ચિત મનાઈ રહી છે. આ ઉપરાંત, સુરતના બે ધારાસભ્યોના પી.એ. (P.A.) ને પણ ટિકિટ આપી ભાજપ નવા સમીકરણો સાધી રહી છે.

Share :

સંબંધિત સમાચાર