તાજા સમાચાર

ઈસ્લામાબાદમાં આયોજિત અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકાએ ઈરાનના બંદરોને નાકાબંધી કરવાનો આદેશ આપતાની સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં આસમાની વધારો જોવા મળ્યો છે. આ સ્થિતિ વચ્ચે ઈરાને સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવીને અમેરિકન જનતાને ભાવિ મોંઘવારી અંગે ચેતવણી આપી છે.

 

વ્હાઇટ હાઉસની આસપાસના પંપના ફોટા અને ઈરાની સ્પીકરનો કટાક્ષ

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં વ્હાઇટ હાઉસની આસપાસના પેટ્રોલ પંપ પર વધેલા ભાવ દર્શાવવામાં આવ્યા છે. તેમણે કટાક્ષ કરતા લખ્યું કે, "વર્તમાન ભાવોનો આનંદ માણો, કારણ કે નાકાબંધી પછી તમે $4-5 પ્રતિ ગેલનના ભાવને પણ યાદ કરશો." નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયું તે પહેલા અમેરિકામાં પેટ્રોલનો ભાવ માત્ર $2.98 હતો, જે હવે ઝડપથી વધી રહ્યો છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાની સૈન્ય કાર્યવાહી

યુએસ સેન્ટ્રલ કમાન્ડે જાહેરાત કરી છે કે તેઓ ઈરાનના તમામ ગલ્ફ બંદરોને નાકાબંધી કરશે. આ નાકાબંધી હેઠળ ઈરાન તરફ આવતા અથવા ત્યાંથી જતા તમામ જહાજોને રોકવામાં આવશે. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે વિશ્વના કુલ તેલ પુરવઠાનો 20% ભાગ આ જળમાર્ગમાંથી પસાર થાય છે. અમેરિકાના આ કડક વલણને કારણે તેલ પુરવઠો ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે.

Share :

સંબંધિત સમાચાર