Ahmedabad News: UCC બિલના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ભાજપનો પ્લાન, CMના નિવાસ સ્થાને બેઠક યોજાઈ
ગુજરાતમાં 31મી માર્ચે વડાપ્રધાન મોદીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન ઉત્તર ગુજરાત અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. તેમની ગુજરાત મુલાકાત બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ છે. આ દરમિયાન ગઈ કાલે વિધાનસભામાં યનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરવામાં આવ્યું હતું. હવે આ બિલને લઈને રાજકારણ શરૂ થયું છે. આ બિલને લઈને ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે તેવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુદ્દે ચર્ચાઓ
ગઈકાલે ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આજે ભાજપની પ્રદેશ કોર કમિટીની બેઠક મળી હતી. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના સભ્યો હાજર રહ્યા હતાં. કોર કમિટીની રચના કર્યા બાદ પ્રદેશ ભાજપની આ પ્રથમ બેઠક છે. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ વખતે ભાજપ યુનિફોર્મ સિવિલ કોડના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે તેવું રાજકીય સુત્રો તરફથી જાણવા મળ્યું છે. ભાજપે આ બિલને લઈને લોકો સુધી પહોંચવા અને લોકોને બિલ અંગે જાણકારી આપવાનો પણ પ્લાન તૈયાર કર્યો હોવાની વિગતો સામે આવી છે. પેજ કમિટી સ્તરની કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી. શક્તિ કેન્દ્ર સ્તરની કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગીના પ્રાથમિક માપદંડ અંગે પણ ચર્ચા કરાઈ હતી.



