Ahmedabad: ખોખરામાં શરણમ-5 એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગ લાગી
અમદાવાદના ખોખરામાં સતત બીજી વખત આગ લાગવાની ઘટના બની છે. અનુપમ સિનેમા પાસે સ્થિત શરણમ-5 એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થયાના અહેવાલો મળ્યા નથી.આગનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા છે. એપાર્ટમેન્ટમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ઘૂમાડો ફેલાઈ ગયો હતો.જીન્સના કાપડની દુકાનમાં આગ લાગતાં ચાર લોકો બહાર નીકળ્યા હતાં.
ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે રવાના
એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગતાં જ આસપાસના વિસ્તારોમાં અફરા તફરી સર્જાઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા છે. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. તે ઉપરાંત ઈમર્જન્સીમાં કોઈ પણ પ્રકારની મદદ માટે એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ હતી. હજી સુધી કોઈ જાનહાનીના અહેવાલો પ્રકાશમાં નથી આવ્યા.
ગત સપ્તાહે પરિષ્કર એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી
અમદાવાદના ખોખરામાં 11 એપ્રિલે પરિષ્કર એપાર્ટમેન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગતાં લોકો ફસાયા હતાં. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રૂંવાડા ઉભા કરી દેનારૂ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટનામાં 18 લોકોને રેસ્ક્યૂ ઓપરેશન કરી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતાં.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.