ઝુકરબર્ગનો ₹6.5 લાખ કરોડનો ફિયાસ્કો, Pakistan ના આખા બજેટ જેટલી રકમ ડૂબી!
પાંચ વર્ષ પહેલાં જ્યારે માર્ક ઝુકરબર્ગે ફેસબુકનું નામ બદલીને 'મેટા' કર્યું, ત્યારે ટેક જગતમાં ભારે ઉત્સાહ હતો. ઝુકરબર્ગનો દાવો હતો કે મેટાવર્સ એટલે કે 'વર્ચ્યુઅલ દુનિયા' ઇન્ટરનેટનું ભવિષ્ય છે. પરંતુ આજે પરિસ્થિતિ તદ્દન અલગ છે. મેટાએ તેના મેટાવર્સ પ્લેટફોર્મ, હોરાઇઝન વર્લ્ડ્સ (Horizon Worlds) ને બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય માત્ર એક પ્રોડક્ટ બંધ કરવા પૂરતો નથી, પરંતુ તે ઝુકરબર્ગના સૌથી મોટા વિઝનની હાર સ્વીકારવા સમાન છે.
પાકિસ્તાનના બજેટ જેવડું નુકસાન
મેટાએ તેના 'રિયાલિટી લેબ્સ' વિભાગ દ્વારા મેટાવર્સ પાછળ આશરે $80 થી $85 બિલિયન (અંદાજે ₹6.5 લાખ કરોડ) નો ધુમાડો કર્યો છે. આ રકમ એટલી મોટી છે કે તેનાથી પાકિસ્તાન જેવા દેશનું આખા વર્ષનું બજેટ આરામથી ચાલી શકે. આટલા તોતિંગ રોકાણ છતાં, કંપની વપરાશકર્તાઓને આ પ્લેટફોર્મ તરફ આકર્ષવામાં નિષ્ફળ રહી છે. હોરાઇઝન વર્લ્ડ્સ પર સક્રિય વપરાશકર્તાઓની સંખ્યા ખૂબ જ ઓછી રહી અને જે લોકો આવ્યા તે પણ ક્યારેય પાછા ફર્યા નહીં.
ક્યાં ભૂલ થઈ? ટેકનોલોજી કે જરૂરિયાત?
મેટાવર્સની નિષ્ફળતા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર ગણાય છે. પ્રથમ, ટેકનોલોજીની મર્યાદા: VR હેડસેટ્સ હજુ પણ ખૂબ મોંઘા, વજનમાં ભારે અને લાંબા સમય સુધી પહેરવા માટે અસુવિધાજનક છે. તેની બેટરી લાઈફ પણ ઓછી છે.
બીજું અને સૌથી મહત્વનું કારણ એ છે કે, લોકોને તેની જરૂર જ નહોતી. લોકો પહેલેથી જ સ્માર્ટફોન અને લેપટોપ પર સોશિયલ મીડિયા, ગેમિંગ અને વિડિયો કોલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. મેટાવર્સે આ જ વસ્તુઓને નવા સ્વરૂપમાં રજૂ કરી, પરંતુ તેમાં એવું કંઈ 'ક્રાંતિકારી' નહોતું કે જે લોકોને તેમની જૂની આદતો છોડવા મજબૂર કરે.



