Business: ભાડાપટ્ટેની જગ્યાઓ કાયમી હક્કે આપવા અંગે મહત્ત્વનો પરિપત્ર
તેવી જ રીતે સરકારશ્રી તરફથી કેટલાક સિટીસર્વે વિસ્તારની જમીનો નાગરિકોને ભાડાપટ્ટાથી ફાળવવામાં આવે છે અને વખતોવખત તેવા ભાડાપટ્ટાઓ રિન્યૂ કરવામાં આવે છે તેમજ નાગરિકોને ભાડાપટ્ટાના જમીનો કાયમી ધોરણે મળે તેના ધારાધોરણો નક્કી કરી વખતોવખત જનહિતમાં સરકારશ્રી તરફથી નિર્ણયો લઈ પરિપત્રો/ઠરાવો બહાર પાડવામાં આવે છે. જેથી સરકારશ્રી તરફથી લોકહિતમાં વધુ એક સારો નિર્ણય કહી શકાય તેવો કે જે સિટીસર્વે વિસ્તારની લાંબાગાળા તથા ટૂંકાવાળા માટે ભાડાપટ્ટે આપવામાં આવતી સરકારી પડતર/ખરાબાની જમીન અંગેની જોગવાઈઓમાં સુધારો કરવા અને તે મુજબ ભાડાપટ્ટેની જમીનો નાગરિકોને કાયમી હક્કે ફાળવવાનો મહત્ત્વનો નિર્ણય કરેલ છે. જે પરિપત્ર ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ ઠરાવ RD/LND/ efile/ 15/2023/ 14748/A (Land) સચિવાલય, ગાંધીનગરનો તા.21/04/2025 નો ભાડાપટ્ટેની જગ્યાઓ કાયમી હક્કે આપવા અંગે મહત્ત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. જે નીચે જણાવ્યા મુજબ છે.
મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક : જમન/392003/454/અ, તા.06/06/2023 ના રોજના ઠરાવના ફકરા ક્રમાંક : 18 અને 19 ની જોગવાઈઓના બદલે હવે નીચે દર્શાવ્યાનુસારની જોગવાઈ અમલમાં મૂકવા આથી ઠરાવવામાં આવે છે.
(1)સિટી સર્વે વિસ્તારના લાંબા અને ટૂંકાવાળા માટે ભાડાપટ્ટે આપેલ જમીન માટે હાલના કાયદેસરના ધારક પાસેથી નીચે મુજબ રાહત કિંમત વસૂલ થઈ જમીનનો કાયમી નિકાલ કરવાનો રહેશે.
(2) સિટીસર્વે વિસ્તારમાં વખતોવખતની જોગવાઈ/નીતિ હેઠળ ભાડાપટ્ટે અપાયેલ જમીનોને આ યોજના લાગુ પડશે. બાકી અન્ય કેસો જેવા કે, ફળઝાડ, કપાસ અને અન્ય વૃક્ષના ઉછેર માટે ભાડપટ્ટે જમીન ફાળવણી, નવસાધ્ય કરવા આપેલ જમીન, ઝિંગા ઉછેર માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, મીઠા ઉદ્યોગ માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, રમતગમતના મેદાન માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, સોલાર, વીન્ડ, સોલાર-વીન્ડ હાઇબ્રિડ યોજના માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, ગ્રીન હાઇડ્રોજન માટે જમીન ફાળવણી જેવા કેસોમાં આ યોજના લાગુ પડશે નહીં તથા મહેસૂલ વિભાગની પ્રવર્તમાન જોગવાઈઓ યથાવત્ રહેશે.
(3) સિટીસર્વે વિસ્તાર સિવાયના અન્ય તમામ વિસ્તાર માટે મહેસૂલ વિભાગના તા.06/06/2003ના ફકરા ક્રમાંક : 30 ની જોગવાઈઓ લાગુ પાડવાની રહેશે.
(4) જમીનની ફાળવણી જે હેતુ માટે થઈ હોય તેનો કોઈ જ ઉપયોગ ન થયેલ હોય એટલે કે મૂળથી વણવપરાયેલ હોય તથા સ્થાનિકે પ્લોટ ખુલ્લો હોય તેને આ યોજનાનો કોઈ લાભમળવાપાત્ર રહેશે નહીં.
(5) જમીનનો ભાડાપટ્ટો પૂર્ણ થયેલ હોય કે ભાડાપટ્ટો પૂર્ણ થયેલ ન હોય પરંતુ હાલનો કાયદેસરનો ધારક કાયમી ધોરણે જમીન મેળવવા માંગતો હોય તો તેને આ યોજનાનો લાભ આપવાનો રહેશે.
(6) આ યોજના મુજબ રાહત કિંમતે કાયમી નિકાલ થતી આવી તમામ જમીનો જૂની શરતની ગણવાની રહેશે.
(7) ભાડાપટ્ટે આપેલ જમીનનું ભાડું કે ભાડાનો કોઈ ભાગ ભરપાઈ કરવામાં આવેલ ન હોય તો ભરવાપાત્ર રાહત કિંમતના 5 % લેખે થતી રકમ ઉચ્ચક ભાડાપેટે વસૂલ લેવાની રહેશે.
(8) આવી જમીનનો કાયમી ધોરણે નિકાલ કરતી વખતે જંત્રી કિંમત મુજબની સ્ટેમ્પ ડયૂટી વસૂલ લેવાની રહેશે.
(9) આ યોજના રાજ્યના તમામ જિલ્લાના સિટીસર્વે વિસ્તારોને જ લાગુ પડશે.
(10) તા. 31/12/1990 પછી ભાડાપટ્ટે આપેલ જમીનોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં.
(11) ભાડાપટ્ટે આપેલી આવી જમીનો માટે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય ત્યાં સુધી આ યોજનાનો લાભ આપી શકાશે નહીં.
(12) અરજદાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે અન્ય પછાત વર્ગનો હોય તો તે ઇસમને આ યોજનાનુસાર ભરવાપાત્ર થતી કિંમતમાં 20%ની રાહત આપવાની રહેશે.
(13) આ યોજના મુજબ જૂની શરતમાં ફેરવાયેલ જમીનને અન્ય તમામ પ્રવર્તમાન કાયદા-નિયમો લાગુ પડશે.
(14) જે કિસ્સામાં પટ્ટાની મુદત પૂર્ણ થયેલ હોય અને પટ્ટો થયો હોવા છતાં જો પટ્ટેદાર ઉક્ત યોજનાનો લાભ લેવા રસ ધરાવતો ન હોય તો પટ્ટેથી આપેલ જમીન પરનો કબજો દૂર કરી તાત્કાલિક ધોરણે જમીન શ્રી સરકાર હસ્તક બોજારહિત ઇમલા સહિત પરત લેવાની નિયમોનુસારની કાર્યવાહી સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીએ અનુસરવાની રહેશે.
(15) પ્રવર્તમાન જંત્રીદર અનુસાર રૂ.1 કરોડ સુધીની કિંમતની જમીન/મિલકતના કાયમી નિકાલની સત્તા જિલ્લા કલક્ટરશ્રીની રહેશે. રૂ. 1 કરોડથી વઘુ કિંમતની જમીન/ મિલકતના કાયમી નિકાલ કરવાની તમામ દરખાસ્ત સરકારશ્રીમાં મંજૂરી અર્થે રજૂ કરવાની રહેશે.
(16) અરજદારે ઉક્ત યોજનાનો લાભ લેવા માટે ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી 2 વર્ષ સુધીમાં અરજી કરી દેવાની રહેશે.
(17) સદર જમીન/જગ્યાના વેચાણ થકી કોઈ દુરપયોગ ન થાય તે સારું 'ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી જે કેસમાં ભાડાપટ્ટાની આવી જમીનના કાયમી નિકાલની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અથવા વધુમાં વધુ 2 વર્ષ સુધી આવી જમીન/જગ્યા માટે કોઈ વેચાણ વ્યવહાર થઈ શકશે નહીં.'
ઉપરોક્ત જણાવ્યા મુજબ સરકારશ્રી તરફથી સિટીસર્ર્વ વિસ્તારની ભાડાપટ્ટાની જમીનો અંગે લોકહિતમાં વધુ એક સારો નિર્ણય કહી શકાય તેવો કે જે લાંબાગાળા તથા ટૂંકાવાળા માટે ભાડાપટ્ટે આપવામાં આવતી સરકારી પડતર/ખરાબાની જમીન અંગેની જોગવાઈઓમાં સુધારો કરવા અને તે મુજબ ભાડાપટ્ટેની જમીનો નાગરિકોને કાયમી હક્ક ફાળવવાનો મહત્ત્વનો નિર્ણય કરેલ છે.