તાજા સમાચાર

ગુજરાતમાં ગેસ પુરવઠાને લઈને ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર સક્રિય બની છે અને પુરવઠો સુચારૂ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગ દ્વારા ગેસ પુરવઠા અંગે માહિતી આપવામાં આવી હતી. વર્ષ 2026-27ના બજેટ સંદર્ભે યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને જરૂરિયાત મુજબ બફર સ્ટોક પણ જાળવવામાં આવી રહ્યો છે. નાગરિકોને LPG સંબંધિત કોઈ સમસ્યા હોય તો રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222 પર સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને રાજ્યમાં ગેસ પુરવઠાની વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં PNG (પાઇપ નેચરલ ગેસ) દ્વારા પણ પૂરતો ગેસ પુરવઠો ઉપલબ્ધ છે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે.

સરકારના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં LPGનો પુરવઠો સામાન્ય કરતાં અંદાજે 20 ટકા વધારવામાં આવ્યો છે જેથી માંગ પ્રમાણે સિલિન્ડર ઉપલબ્ધ રહે. PNG નેટવર્ક ન હોય તેવા વિસ્તારોમાં LPG કનેક્શન આપવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે, જ્યારે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને પણ મર્યાદિત પ્રમાણમાં કોમર્શિયલ LPG કનેક્શન આપવાની છૂટ આપવામાં આવી છે.


આવશ્યક અને અર્ધ આવશ્યક સેવાઓ માટે LPG ફાળવણી

રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સેવાઓને ધ્યાનમાં રાખીને LPG પુરવઠાની ફાળવણી નક્કી કરવામાં આવી છે. રાજ્યમાં હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 100 ટકા પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જ્યારે ફાર્મા ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી અને એરલાઇન અથવા રેલવે કેન્ટીન જેવી સેવાઓને 70 ટકા મર્યાદામાં LPG પૂરું પાડવામાં આવી રહ્યું છે. મત્સ્યોદ્યોગ સહિત કેટલીક આવશ્યક સેવાઓ માટે 10 ટકા કેપ સાથે કોમર્શિયલ LPG પુરવઠો આપવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત અર્ધ આવશ્યક સેવાઓ જેમ કે રેસ્ટોરાં, ઢાબા, હોટેલ્સ, કોર્પોરેટ કેન્ટીન, ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફૂડ પ્રોસેસિંગ એકમો માટે પણ 10 ટકા મર્યાદા સાથે LPG પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકારનું કહેવું છે કે ગેસ પુરવઠાને લઈને કોઈ અછત નથી અને જરૂરી પગલાં લેવામાં આવ્યા છે જેથી તમામ ક્ષેત્રોને તેમની જરૂરિયાત મુજબ પૂરતો ગેસ ઉપલબ્ધ રહે.

Share :

સંબંધિત સમાચાર