- 01 Apr, 2026
- 37
April ના પ્રથમ દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં ભડકો, 5 કિલો સિલિન્ડરના ભાવમાં 51 રૂપિયાનો તોતિંગ વધારો!
1 એપ્રિલ, 2026 થી દેશમાં ગેસ સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નાણાકીય વર્ષના પ્રારંભે જ સરકારી તેલ કંપનીઓએ ઝટકો આપતા નાના 5 કિલોગ્રામના FTL (Free Trade LPG) સિલિન્ડર અને 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો જાહેર કર્યો છે. જોકે, સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે 14.2 કિલોગ્રામના ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નાના અને કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ
તાજા આંકડા મુજબ, 5 કિલોગ્રામના નાના FTL સિલિન્ડરના ભાવમાં ₹51નો વધારો થયો છે. બીજી તરફ, 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર દીઠ ₹195.50 અને કોલકાતામાં ₹218નો વધારો થયો છે. આ વધારા સાથે દિલ્હીમાં કોમર્શિયલ ગેસનો ભાવ હવે ₹2078.50 પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે આ વર્ષમાં આ પાંચમો ભાવ વધારો છે અને અત્યાર સુધીમાં કોમર્શિયલ ગેસના ભાવમાં અંદાજે ₹498નો વધારો ઝીંકાયો છે.
ઘરેલુ વપરાશકારોને હાલ પૂરતી રાહત
સામાન્ય ગૃહિણીઓના બજેટ પર હાલમાં કોઈ નવી અસર પડશે નહીં, કારણ કે 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ₹913 પર સ્થિર રાખવામાં આવ્યો છે. છેલ્લે 7 માર્ચે તેમાં ₹60નો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, કોમર્શિયલ ગેસ મોંઘો થતા હોટલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે ખર્ચ વધશે, જેની પરોક્ષ અસર સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડી શકે છે.









