Business: ઇન્ડસઇન્ડના કારોબાર પર દેખરેખ રાખવા આંતરિક કમિટીને આરબીઆઈએ મંજૂરી આપી
બેંક દ્રારા રચવામાં આવેલી આ કમિટિમાં બેંકના કન્ઝયુમર બેકિંગના હેડ સૌમિત્ર સેન અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અનિલ રાવ સમાવિષ્ટ છે. આ કમિટી બેંકના રોજબરોજના કારોબાર પર દેખરેખ રાખશે અને આ સમગ્ર પ્રક્રિયા પર બેંકના બોર્ડની ઓવરસાઇટ કમિટિ નજર રાખશે. બોર્ડની ઓવરસાઇટ કમિટીના ચેરમેન તરીકે બોર્ડના ચેરમેન જ કાર્યભાર સંભાળશે. આ ઉપરાંત બોર્ડની આ કમિટીમાં ઓડિટ કમિટીના ચેરમેન, કોમ્પેનસેશન, નોમિનેશન તથા રિમ્યુનરેશન કમિટિના ચેરમેન અને રિસ્ક મેનેજમેન્ટ કમિટીના ચેરમેન સમાવિષ્ટ હશે. બેંકે જણાવ્યા મુજબ આ પ્રકારની વ્યવસ્થાને આરબીઆઇએ 29 એપ્રિલના રોજ મંજૂરી આપી છે. હવે બેંકના પૂર્વ એમડી અને સીઇઓએ રાજીનામું આપ્યું તે પછીના ત્રણ મહિનામાં નવા એમડી અને સીઇઓ કાર્યભાર સંભાળે ત્યાં સુધી આ વચગાળાની વ્યવસ્થાથી બેંકના કારોબાર પર નજર રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડસઇન્ડ બેંકના એમડી અને સીઇઓ સુમંત કથપલિયાએ 29 એપ્રિલે બેંકના ડેરિવેટિવ્ઝ પોર્ટફોલિયોમાં જોવા મળેલી વિસંગતતાઓ માટે નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું હતું. આગલા દિવસે આ જ મુદ્દે પોતાની જવાબદારી સ્વીકારીને બેંકના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ અજય ખુરાનાએ પણ રાજીનામું આપ્યું હતું, જે પછી તરત જ એમડી અને સીઇઓએ પણ રાજીનામું આપ્યું હતું. હવે સૂત્રોના જણાવ્યા મુજબ બેંકનું બોર્ડ આ વિસંગતતા માટે કોણ જવાબદાર છે તે નક્કી કરવાનુ છે તેને પગલે આગામી દિવસોમાંથી બેંકમાંથી ઘણા રાજીનામાં પડે એવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બેંકના ડેરિવેટિવ્ઝ પોર્ટફોલિયોમાં વિસંગતતાઓ પ્રકાશમાં આવી તેને પગલે બેંકને કુલ રૂ. 2,000 કરોડનું નુકસાન ગયું છે.








