Business: ભારતના ખૌફથી બચવા પાક.ના હવાતિયા ટ્રમ્પની માલિકીની કંપની સાથે કરાર કર્યો
વર્લ્ડ લિબર્ટી ફાયનાન્સિયલ (ડબ્લ્યુએલએફ) નામની યુએસ સ્થિત કંપનીના ટોચના પદાધિકારીઓનું એક પ્રતિનિધીમંડળ તાજેતરમાં જ પાકિસ્તાનની મુલાકાતે આવ્યું હતું. આ કંપની એક ડિસેન્ટ્રલાઇઝડ ફાયનાન્સ પ્લેટફોર્મ તરીકે કાર્યરત છે અને તેમાં ટ્રમ્પના પરિવારનું હોલ્ડિંગ 60 ટકાથી વધારે છે. આ પ્રતિનિધીમંડળના સભ્યોમાં ઝેચેરી ફોકમેન, ચેઝ હેરો અને ઝેચેરી વિટકોફનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની આ મુલાકાત દરમિયાન આ પ્રતિનિધીમંડળે પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ (પીસીસી) સાથે એક લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ લેટર ઓફ ઇન્ટેન્ટનો હેતુ પાકિસ્તાનમાં બ્લોક ચેઇનનો ઉપયોગ વધારવા માટે પ્રયત્નો કરવાનો છે. પાકિસ્તાનના સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ પ્રતિનિધી મંડળના સભ્યો જ ડબ્લ્યુએલએફનું સંચાલન કરે છે અને તેમણે પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન પાકના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ અશિમ મુનિરની પણ મુલાકાત લીધી હતી.
આ લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા તે પછી પીસીસીએ જારી કરેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે આ કરાર દ્રારા પાકિસ્તાનમાં બ્લોક ચેઇનને લગતા નવા સંશોધનો થાય, સ્ટેબલકોઇનનો ઉપયોગ વધે અને સમગ્ર પાકિસ્તાનમાં ડિસેન્ટ્રલાઇઝડ ફાયનાન્સ ઇન્ટિગ્રેશનનું માળખું ઊભું થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. પીસીસીએ એવો પણ દાવો કર્યો હતો કે આ કરારને પગલે ડિજિટલ ફાયનાન્સ રિવોલ્યુશનના ક્ષેત્રે એક વૈશ્વિક અગ્રણી તરીકે ઊભરવામાં પાકિસ્તાનને ઘણી મદદ મળશે.








