- 03 Nov, 2026
- 32
પ્રસિદ્ધ કૃષ્ણા ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી માટે ફિટ જાહેર
ભારતીય ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને ન્યૂઝીલેન્ડ સામેની આગામી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ફિટ જાહેર કરવામાં આવ્યા છે. તેઓ 19 નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણીમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.
પ્રસિદ્ધ કૃષ્ણા ડાબા પગની હેમસ્ટ્રિંગ ઈજાને કારણે મેદાનથી દૂર હતા. આ ઈજા તેમને 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડે દરમિયાન થઈ હતી. ત્યારબાદ તેઓ પાંચ મેચની વનડે શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયા હતા.
તેમણે બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સમાં 1 અને 2 નવેમ્બરે ફિટનેસ તથા મેચ સિમ્યુલેશન ટેસ્ટ આપ્યા હતા. આ ટેસ્ટમાં સફળ થયા બાદ મેડિકલ ટીમે તેમને રમવા માટે મંજૂરી આપી છે.
હવે પ્રસિદ્ધ કૃષ્ણા ન્યૂઝીલેન્ડમાં ભારત-A ટીમ સાથે જોડાઈ શકે છે. તેઓ 7થી 10 નવેમ્બર દરમિયાન ન્યૂઝીલેન્ડ-A સામે રમાનારી ત્રીજી અને અંતિમ ચાર દિવસીય મેચમાં ભાગ લે તેવી શક્યતા છે. આ મેચથી તેમને ટેસ્ટ શ્રેણી પહેલાં મેચ પ્રેક્ટિસ મેળવવાની તક મળશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 19થી 23 નવેમ્બર દરમિયાન વેલિંગ્ટનમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ક્રાઇસ્ટચર્ચમાં યોજાશે.










