- 03 Nov, 2026
- 17
'મુસ્લિમો વિરુદ્ધ હિંદુ-યહૂદી ગઠબંધન', આસિમ મુનીરે તુર્કી, સાઉદી અરેબિયા અને ઈરાન સમક્ષ શું કહ્યું હોવાનો દાવો?
પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર તેમના કથિત નિવેદનને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે. ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી મોહસિન રેઝાઈએ દાવો કર્યો છે કે 26 ઓક્ટોબરે તેહરાનમાં યોજાયેલી ચાર દેશોની સુરક્ષા બેઠક દરમિયાન મુનીરે ભારત અને ઈઝરાયેલ વચ્ચેના વધતા સંબંધોને મુસ્લિમો અને પાકિસ્તાન વિરુદ્ધના ગઠબંધન તરીકે રજૂ કર્યા હતા. રેઝાઈના જણાવ્યા અનુસાર, મુનીરે હિંદુઓ અને યહૂદીઓ વચ્ચેના વધતા સંબંધોને પાકિસ્તાન તથા સમગ્ર મુસ્લિમ જગત માટે મોટો ખતરો ગણાવ્યા હતા.
આ બેઠકમાં પાકિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયા અને તુર્કીના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. પાકિસ્તાન તરફથી આસિમ મુનીર, તુર્કી તરફથી ગુપ્તચર પ્રમુખ ઇબ્રાહિમ કાલિન, સાઉદી અરેબિયા તરફથી સંરક્ષણ મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાન અને ઈરાન તરફથી મોહસિન રેઝાઈ હાજર રહ્યા હતા. રેઝાઈએ 31 ઓક્ટોબરે ઈરાનના સરકારી ટેલિવિઝનને આપેલા ઇન્ટરવ્યૂમાં આ બેઠક દરમિયાન થયેલી ચર્ચાનો ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાની પત્રકાર નજમ સેઠીએ પણ પોતાના કાર્યક્રમમાં રેઝાઈના દાવાને ટાંકીને કહ્યું હતું કે મુનીરે હિંદુ-યહૂદી સંબંધોને પાકિસ્તાન માટે મોટો ખતરો ગણાવ્યા હતા.
રેઝાઈના દાવા મુજબ, બેઠકમાં સાઉદી અને તુર્કીના પ્રતિનિધિઓએ પણ ઈઝરાયેલની પ્રાદેશિક ભૂમિકા અને તેનાથી ઊભા થતા સુરક્ષા જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, મુનીરના કથિત નિવેદનની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. હાલમાં આ માહિતી રેઝાઈના નિવેદન અને મીડિયા અહેવાલો પર આધારિત છે. તેથી તેને આસિમ મુનીરનું સત્તાવાર રીતે પ્રમાણિત નિવેદન માનવું યોગ્ય નથી.

.jpeg)









