- 21 Aug, 2026
- 32
પેલેટ ગન મામલે રાહુલ ગાંધીનું ધરણું, પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન બહાર FIRની માંગ
નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શુક્રવારે દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેઓ 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ લોચબ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જુલાઈમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનથી થયેલી કથિત ઇજાના મામલે FIR નોંધવાની માંગ કરી હતી.
રિપોર્ટ મુજબ સાહિલ લોચબ 20 જુલાઈના જંતર મંતર ખાતે થયેલા પ્રદર્શન દરમિયાન ઘાયલ થયો હતો. તેના શરીર અને આંખમાં પેલેટ વાગ્યાની ફરિયાદ સામે આવી હતી. તેની આંખની દ્રષ્ટિ પર પણ ગંભીર અસર પડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. સાહિલની સારવાર AIIMS ટ્રોમા સેન્ટરમાં કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી પહેલા સાહિલ સાથે મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં FIR નોંધવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને DCP સાથે મુલાકાત કરી. વાતચીત બાદ પણ FIR અંગે તરત નિર્ણય ન થતાં રાહુલ ગાંધી પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેસી ગયા.
આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અન્ય કોંગ્રેસ નેતાઓ પણ ત્યાં પહોંચ્યા. પોલીસ સ્ટેશનની આસપાસ સુરક્ષા વધારવામાં આવી હતી અને રેપિડ એક્શન ફોર્સ પણ તૈનાત કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ મામલે જવાબદારી નક્કી થવી જોઈએ. કોંગ્રેસે પોલીસ કાર્યવાહી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
બાદમાં દિલ્હી પોલીસે સાહિલ લોચબની કથિત પેલેટ ઇજાના મામલે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધાવી. FIR નોંધાયા બાદ રાહુલ ગાંધીએ તેને ન્યાય તરફનું પહેલું પગલું ગણાવ્યું. ત્યારબાદ તેમનું છ કલાકથી વધુ ચાલેલું ધરણું સમાપ્ત થયું.





