- 28 Oct, 2026
- 38
પાકિસ્તાને તાઇવાનની એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું, ચીનની ‘વન ચાઇના’ નીતિનો આપ્યો હવાલો
પાકિસ્તાને ચીનની ‘વન ચાઇના’ નીતિને સમર્થન આપતાં તાઇવાનની એરલાઇન્સને પોતાના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવા પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે બ્લૂમબર્ગ સાથેની વાતચીતમાં આ નિર્ણયની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનનું ઉડ્ડયન વિભાગ વન ચાઇના નીતિનું પાલન કરે છે અને તેના હવાઈ ક્ષેત્રમાંથી માત્ર ચીનની મુખ્ય ભૂમિની એરલાઇન્સને ઉડાન ભરવાની મંજૂરી છે.
આ નિર્ણયની અસર તાઇવાનની મુખ્ય એરલાઇન્સ ચાઇના એરલાઇન્સ અને EVA એરવેઝ પર પડી છે. મીડિયા અહેવાલોમાં ટાંકવામાં આવેલા ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, 25 ઑક્ટોબર 2026થી આ એરલાઇન્સની ઉડાનો પાકિસ્તાની હવાઈ ક્ષેત્રને ટાળીને વૈકલ્પિક માર્ગો પર જવા લાગી હતી. એશિયા અને યુરોપ વચ્ચેની કેટલીક ફ્લાઇટ્સને રશિયાના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવું પડ્યું હતું. તેના કારણે મુસાફરીના સમયમાં અને સંચાલન ખર્ચમાં ફેરફાર થઈ શકે છે.
આ નિર્ણય એટલા માટે પણ મહત્ત્વનો માનવામાં આવે છે કે અહેવાલો અનુસાર, તાઇવાનની વ્યાપારી એરલાઇન્સ પર આ પ્રકારનો પ્રતિબંધ મૂકનાર પાકિસ્તાન પ્રથમ દેશ છે. બીજી તરફ, ચીન પોતે તાઇવાનની એરલાઇન્સને પોતાના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની મંજૂરી આપે છે. બેઇજિંગ તાઇવાનને ચીનનો ભાગ માને છે, જ્યારે તાઇવાનની સરકાર પોતાની અલગ રાજકીય સ્થિતિ પર ભાર મૂકે છે.
હાલમાં આ પ્રતિબંધ કેટલા સમય સુધી અમલમાં રહેશે અને તેને લાગુ કરવા માટે કયો ઔપચારિક આદેશ આપવામાં આવ્યો છે, તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી. આ પગલાને પાકિસ્તાન અને ચીન વચ્ચેના ગાઢ રાજકીય તથા વ્યૂહાત્મક સંબંધોના સંદર્ભમાં જોવામાં આવે છે.

.jpeg)






