નેપાળમાં ચીનની સરહદ નજીક આવેલા વિસ્તારોમાં વિનાશક પૂર અને ફ્લેશ ફ્લડ બાદ પાંચમા દિવસે પણ બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં નેપાળમાં 669 લોકોના મોત થયા છે જ્યારે લગભગ 3000 લોકો હજુ પણ લાપતા છે. પૂરથી અનેક ગામો રસ્તાઓ પુલો અને વીજળીના માળખાને ભારે નુકસાન થયું છે.

આ દુર્ઘટનામાં Infosys Public Servicesના CEO લક્ષ ગોપીસેટ્ટી પણ સંપર્ક વિહોણા છે. Infosysએ જણાવ્યું છે કે ગોપીસેટ્ટી વ્યક્તિગત પ્રવાસ માટે નેપાળ ગયા હતા અને પૂર બાદ તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. કંપની સંબંધિત એજન્સીઓ સાથે મળીને તેમની માહિતી મેળવવા અને તેમનો સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપની તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને જરૂરી સહાય આપી રહી છે.

નેપાળના પૂરથી સૌથી વધુ અસર ચીનની સરહદ નજીકના પહાડી વિસ્તારોમાં થઈ છે. ભારે પૂર અને કાટમાળના કારણે અનેક રસ્તાઓ અને પુલો તૂટી ગયા છે જેના કારણે બચાવ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં માત્ર હેલિકોપ્ટર દ્વારા જ પહોંચવું શક્ય બની રહ્યું છે.

રેસ્ક્યુ ઓપરેશનમાં નેપાળની સુરક્ષા એજન્સીઓ સાથે સેનાના જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયેલા છે. અનેક લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પૂરના કારણે હાઇડ્રोपાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પણ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારતે ટનલ રેસ્ક્યુ માટે નિષ્ણાત ટીમ મોકલવાની પણ તૈયારી કરી છે.

ભારત માટે પણ આ દુર્ઘટના ચિંતાનો વિષય છે કારણ કે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ અને યાત્રાળુઓ નેપાળમાં ફસાયા હતા. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે સૈંકડો ભારતીયો સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. અનેક ભારતીય પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

નેપાળમાં બચાવ કામગીરી હજુ પણ પડકારજનક સ્થિતિમાં ચાલી રહી છે. ભારે વરસાદ કાટમાળ અને પહાડી ભૂપ્રદેશને કારણે લાપતા લોકોને શોધવાનું કામ મુશ્કેલ બન્યું છે. બીજી તરફ મૃતદેહોની ઓળખ અને પરિવારજનો સુધી માહિતી પહોંચાડવાનું કામ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

આ વિનાશક પૂર બાદ નેપાળને આંતરરાષ્ટ્રીય સ્તરે મદદની ઓફર પણ મળી છે. ભારત અને ચીન સહિતના દેશોએ રાહત અને તકનીકી સહાયની તૈયારી દર્શાવી છે. નેપાળ સરકાર હાલમાં પોતાની સુરક્ષા એજન્સીઓ દ્વારા મુખ્ય બચાવ કામગીરી સંભાળી રહી છે અને જરૂરિયાત મુજબ તકનીકી સહાય સ્વીકારી રહી છે.

Share :

સંબંધિત સમાચાર