જેનિક સિનરે યુએસ ઓપનમાંથી નામ પાછું ખેંચ્યું ઘૂંટણની ઇજાને કારણે નહીં રમે વર્ષનો છેલ્લો ગ્રાન્ડ સ્લેમ
વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી જેનિક સિનરે ઘૂંટણની ઇજાને કારણે 2026 યુએસ ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. સિનરે સોશિયલ મીડિયા પર આ નિર્ણયની જાહેરાત કરી હતી. સતત સારવાર અને ટીમ તથા મેડિકલ સ્ટાફ સાથે કામ કર્યા બાદ પણ તેમની જમણા ઘૂંટણની ઇજામાંથી સંપૂર્ણ વાપસી થઈ શકી નથી. તેથી તેમણે યુએસ ઓપનમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે.
સિનરે તાજેતરમાં વિમ્બલ્ડનનો ખિતાબ જીત્યો હતો અને ત્યારથી કોઈ સત્તાવાર મેચ રમી નથી. વિમ્બલ્ડનમાં તેમણે ફાઇનલમાં એલેક્ઝાન્ડર ઝવેરેવને હરાવીને સતત બીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ જીત સાથે સિનરે પોતાના ગ્રાન્ડ સ્લેમ ખિતાબોની સંખ્યા પાંચ કરી હતી.
જમણા ઘૂંટણની ઇજાને કારણે સિનર અગાઉ કેનેડિયન ઓપન અને સિનસિનાટી ઓપનમાંથી પણ બહાર થઈ ગયા હતા. યુએસ ઓપન પહેલા મોન્ટે કાર્લોમાં તેમણે પોતાની ટીમ અને મેડિકલ સ્ટાફ સાથે કોર્ટ પર પ્રેક્ટિસ શરૂ કરી હતી. જોકે પ્રેક્ટિસ દરમિયાન સ્પષ્ટ થયું કે તેમને સંપૂર્ણ રીતે સાજા થવા માટે હજુ વધુ સમયની જરૂર છે.
સિનરે કહ્યું કે ન્યૂયોર્ક તેમના માટે ખાસ સ્થાન ધરાવે છે અને તેઓ યુએસ ઓપનમાં ફરી રમવા માટે ખૂબ ઉત્સુક હતા. જોકે ઈજાને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિનર માટે આ ખાસ કરીને મોટો ઝટકો છે કારણ કે તેમણે 2024માં યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો.
2026ની સિઝનમાં સિનરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ATP મુજબ આ સિઝનમાં તેમનો રેકોર્ડ 44 જીત અને માત્ર 3 હારનો રહ્યો છે અને તેમણે છ ખિતાબ જીત્યા છે. વિમ્બલ્ડનનો ખિતાબ પણ તેમાં સામેલ છે.
સિનરની ગેરહાજરીથી યુએસ ઓપનની પુરુષ સિંગલ્સ સ્પર્ધાનું સમીકરણ બદલાઈ ગયું છે. બીજી તરફ તેમના મોટા પ્રતિસ્પર્ધી કાર્લોસ અલ્કારાઝ લાંબા સમય બાદ યુએસ ઓપનમાં વાપસી કરવા જઈ રહ્યા છે. સિનરની ગેરહાજરીમાં અલ્કારાઝ સહિત અન્ય ખેલાડીઓ માટે ખિતાબ જીતવાની તક વધુ મજબૂત બની છે.






