જમ્મુ કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબીને ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવાની મોટી તક મળી છે. આકિબ નબી સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે ત્રણ મેચના ટૂંકા કરાર પર જોડાયા છે. તેઓ કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન વનની ત્રણ મેચમાં સરેનું પ્રતિનિધિત્વ કરશે.

આકિબ નબી સરે તરફથી પોતાની શરૂઆત યોર્કશાયર સામેની મેચથી કરી શકે છે. સરે અને યોર્કશાયર વચ્ચેની આ મેચ 2 સપ્ટેમ્બરથી લંડનના ધ ઓવલ મેદાન પર રમાવાની છે. નબીએ જરૂરી બ્રિટિશ વર્ક વિઝા ક્લિયરન્સ મેળવી લીધું છે અને તેઓ ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે.

નબી માટે આ કાઉન્ટી ક્રિકેટનો અનુભવ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ઈંગ્લેન્ડની પરિસ્થિતિ ઝડપી બોલરો માટે અનુકૂળ માનવામાં આવે છે અને અહીં રમવાથી નબીને સ્વિંગ અને સીમ બોલિંગમાં વધુ અનુભવ મળશે. આ અનુભવ ભારતની આગામી ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ માટે પણ ઉપયોગી થઈ શકે છે.

આકિબ નબીએ 2025 26 રણજી ટ્રોફી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે જમ્મુ કાશ્મીર માટે 60 વિકેટ ઝડપી હતી અને ટીમને પહેલી વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બનવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની બોલિંગને કારણે તેઓ ભારતીય ઘરેલુ ક્રિકેટમાં સૌથી ચર્ચિત ઝડપી બોલરોમાંથી એક બન્યા છે.

સરે સાથેનો આ ત્રણ મેચનો કરાર નબી માટે પોતાની ક્ષમતા આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ સામે સાબિત કરવાની મોટી તક છે. કાઉન્ટી ક્રિકેટમાં સારો પ્રદર્શન કરીને તેઓ ભારતીય ટીમના આગામી ટેસ્ટ પ્રવાસ માટે પોતાની દાવેદારી વધુ મજબૂત કરવા માંગશે.

નબીનો સરે સાથેનો સમય ટૂંકા ગાળાનો રહેશે. તેઓ સપ્ટેમ્બરમાં ત્રણ કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ રમ્યા બાદ ભારત પરત ફરવાની શક્યતા છે. ત્યારબાદ તેઓ 22 સપ્ટેમ્બરથી પુડુચેરીમાં ઓસ્ટ્રેલિયા એ સામે રમાનારી ઇન્ડિયા એની ચાર દિવસીય મેચો માટે ઉપલબ્ધ થવાની શક્યતા છે.

Share :

સંબંધિત સમાચાર