નવી દિલ્હી: દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા અને વિશ્વસનીયતા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા સુધારાને લઈને મોટું એલાન કર્યું છે. PM મોદીએ જણાવ્યું કે પરીક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે હાઈ પાવર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.

આ ટાસ્ક ફોર્સની આગેવાની ઇન્ફોસિસના સહ-સ્થાપક અને આધાર પ્રોજેક્ટના મુખ્ય આર્કિટેક્ટ નંદન નીલેકણી કરશે. ટાસ્ક ફોર્સ દેશની હાલની પરીક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને તેમાં જરૂરી ટેક્નોલોજીકલ તથા વહીવટી સુધારા માટે સૂચનો આપશે.

NEET પેપર લીક વિવાદ બાદ દેશભરમાં પરીક્ષા વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વધી છે. પેપર લીક, ગેરરીતિ, પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા અને પરિણામોની પારદર્શિતા જેવા મુદ્દાઓ પર સતત સવાલો ઉઠતા રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારનું આ પગલું પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

હાઈ પાવર ટાસ્ક ફોર્સ પરીક્ષા પ્રક્રિયામાં ટેક્નોલોજીના વધુ સારા ઉપયોગ, સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા અને પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટેના ઉપાયો અંગે પણ ભલામણો આપી શકે છે.

PM મોદીના આ એલાન બાદ હવે ટાસ્ક ફોર્સની ભલામણો પર સૌની નજર રહેશે. માનવામાં આવે છે કે તેની ભલામણોના આધારે દેશની સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થામાં મોટા ફેરફારો થઈ શકે છે.

Share :

સંબંધિત સમાચાર