તાજા સમાચાર

સૂક્ષ્મ સિંચાઈમાં બનાસકાંઠા પ્રથમ ક્રમે

સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરેલ વિસ્‍તારની દૃષ્‍ટિએ ૪.૭૭ લાખ હેક્‍ટર વિસ્તાર સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્‍થાને, ૧.૮૧ લાખ હેક્‍ટર વિસ્તાર સાથે જૂનાગઢ જિલ્લો દ્વિતીય સ્‍થાને તેમજ ૧.૩૨ લાખ હેક્‍ટર વિસ્તાર સાથે રાજકોટ જિલ્લો ત્રીજા સ્‍થાને છે.

મધ્યમ વર્ગના ખેડૂતોએ આપ્યો સૂક્ષ્મ સિંચાઈને વેગ

આ ઉપરાંત ખેતીમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને વેગ આપવામાં રાજ્યના માધ્યમ વર્ગના ખેડૂતોનો ફાળો મહત્તમ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના ૮,૬૧,૮૩૩ મધ્યમ વર્ગના ખેડૂતોએ ૧૫.૯૪ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. જ્યારે, રાજ્યના ૪,૮૩,૯૨૨ નાના ખેડૂતોએ ૫.૭૫ લાખ હેક્ટર વિસ્તારમાં, ૧,૭૬,૬૩૯ સીમાંત ખેડૂતોએ ૧.૧૯ લાખ હેક્ટર વિસ્તારમાં અને ૫૩,૬૨૨ મોટા ખેડૂતોએ ૧.૪૫ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવીને જળ સંચય અભિયાનને પણ વેગ આપ્યો છે.

મગફળી માટે ૧૦.૭૬ લાખ હેક્‍ટરમાં અપનાવી સૂક્ષ્મ સિંચાઈ

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાયેલા કુલ ૨૪.૩૪ લાખ હેક્‍ટર વિસ્‍તાર પૈકી ૨૦.૦૨ લાખ હેક્‍ટર વિસ્તારમાં ખેતી પાકો માટે તેમજ ૪.૩૨ લાખ હેક્‍ટર વિસ્‍તારમાં બાગાયતી પાકો માટે ખેડૂતો દ્વારા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે. મુખ્‍ય ખેતી પાકોમાં મગફળી માટે ૧૦.૭૬ લાખ હેક્‍ટર, કપાસ માટે ૭.૩૫ લાખ હેક્‍ટર અને શેરડી માટે ૦.૧૬ લાખ હેક્‍ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે. જ્યારે, બાગાયતી પાકોમાં બટાટા પાક હેઠળ ૨.૧૧ લાખ હેક્‍ટર, કેળ પાક હેઠળ ૦.૩૨ લાખ હેક્‍ટર, આંબા પાક હેઠળ ૦.૧૮ લાખ હેક્‍ટર અને શાકભાજી પાકો હેઠળ ૦.૮૪ લાખ હેક્‍ટર વિસ્‍તાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે.

ખેડૂત શક્તિ પોર્ટલ

ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ઘરે બેઠા જ પ્રી-રજીસ્ટ્રેશન કરાવીને અપનાવી શકે છે. પ્રી-રજીસ્ટ્રેશન માટે ખેડૂત પોતાનું “પુરૂ નામ – જિલ્લો – તાલુકો - ગામ”ના ફોર્મેટમાં લખીને GGRCના મોબાઈલ નંબર ૯૭૬૩૩૨૨૨૧૧ પર SMS કરીને નોંધણી કરી શકે છે. આ ઉપરાંત GGRCની વેબસાઇટ “khedut.ggrc.co.in” ઉપર જઈને ખેડૂતો વિગતો દાખલ કરીને નોંધણી કરી શકે છે. અરજીની પૂર્વ નોંધણી બાદ GGRCના માન્ય સપ્લાયર્સ આગળની કાર્યવાહી કે માર્ગદર્શન માટે ખેડૂતોનો સંપર્ક કરશે.

Share :

સંબંધિત સમાચાર