- 17 Apr, 2025
- 10
ભારત શસ્ત્રોના વેચાણમાં વિશ્વ સાથે સ્પર્ધા કરવા તૈયાર:
ભારત શસ્ત્રો ખરીદતા દેશોને સસ્તા અને લાંબા ગાળાની લોન આપી રહ્યું છે. લક્ષ્ય એવા દેશો છે, જે અત્યારસુધી રશિયા પાસેથી શસ્ત્રો ખરીદતા આવ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા હોવાથી આ દેશો હવે નવા વિકલ્પો શોધી રહ્યા છે. ભારત આનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. રોઇટર્સના રિપોર્ટમાં પણ આ દાવો કરવામાં આવ્યો છે.
યુક્રેન પછી ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો શસ્ત્ર ખરીદનાર દેશ છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકાર શસ્ત્રોની નિકાસ પર પણ ભાર મૂકી રહી છે. આ માટે ભારત નિકાસ-આયાત બેંક (EXIM બેંક) દ્વારા શસ્ત્રો ખરીદવા માટે લોન આપી રહ્યું છે.
રોઇટર્સે બે સરકારી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે સરકાર EXIM બેંકની મદદથી શસ્ત્રો ખરીદતા દેશોને ઓછા વ્યાજદરે લાંબા ગાળાની લોન આપવાની યોજના પર કામ કરી રહી છે. આનાથી એવા દેશોને ફાયદો થશે, જે રાજકીય અસ્થિરતા અથવા ઓછી ક્રેડિટ રેટિંગને કારણે મોંઘી લોન પરવડતી નથી.
આ માટે ભારતે બ્રાઝિલ અને આર્જેન્ટીના સહિત 20 દેશમાં પોતાના રાજદ્વારીઓ મોકલ્યા છે.
રશિયા-યુક્રેન યુદ્ધ એક વળાંક બન્યો
ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. છેલ્લાં 3 વર્ષ દરમિયાન અમેરિકા અને રશિયા બંનેએ આ યુદ્ધમાં પોતાનાં શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે. આવી સ્થિતિમાં આ બે દેશો પર નિર્ભર આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાના દેશો પાસે શસ્ત્રો પુરવઠા માટે વિકલ્પો ખતમ થઈ ગયા છે.
રોઇટર્સના અહેવાલ મુજબ ભારતે તકને ઓળખી અને તે દેશો સાથે સંપર્કો વધાર્યા. ખાસ વાત એ છે કે ભારત પશ્ચિમી અને રશિયન બંને પ્રકારનાં શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યું છે. ભારતને બંને પ્રકારની શસ્ત્ર ટેક્નોલોજીનો અનુભવ છે. આવી સ્થિતિમાં ભારત આ દેશોની સંરક્ષણ જરૂરિયાતોને સમજી શકે છે.