તાજા સમાચાર

દિલ્હી હાઈકોર્ટે બેંક કર્મચારીઓની યુનિયનના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે વૈકલ્પિક સ્થળ ફાળવવાની માંગ પર દિલ્હી પોલીસને 28 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે. આ મામલો યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)ની દિલ્હી સ્ટેટ યુનિટની અરજી સાથે સંબંધિત છે. યુનિયને 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ ધરણા માટે મંજૂરી માંગી હતી.

જસ્ટિસ અમિત મહાજને પોલીસને કહ્યું કે જો જંતર-મંતર ખાતે પ્રદર્શનની મંજૂરી આપવી શક્ય ન હોય તો યુનિયનને અન્ય યોગ્ય સ્થળ આપવાની તેની માંગ પર વિચાર કરવામાં આવે. કોર્ટે વૈકલ્પિક સ્થળ અંગે નિર્ણય લઈને તેની જાણ યુનિયનને સોમવાર સુધીમાં કરવાની સૂચના આપી છે.

યુનિયનની અરજીમાં જણાવાયું હતું કે અગાઉ પણ 11 અને 18 સપ્ટેમ્બરે પ્રદર્શન માટે પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ તે અંગે મંજૂરી મળી શકી નહોતી. યુનિયને શાંતિપૂર્ણ રીતે સભા અને વિરોધ કરવાનો બંધારણીય અધિકાર હોવાનો ઉલ્લેખ કરીને જંતર-મંતર અથવા દિલ્હીના અન્ય કોઈ યોગ્ય સ્થળે ધરણા યોજવાની મંજૂરી માગી હતી.

આ મામલો 28થી 30 સપ્ટેમ્બર સુધી પ્રસ્તાવિત ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળ સાથે પણ જોડાયેલો છે. બેંક યુનિયનોની મુખ્ય માંગ પાંચ દિવસનું બેંકિંગ વર્કિંગ વીક લાગુ કરવાની છે. આ ઉપરાંત પેન્શન સુધારા અને અન્ય સેવા સંબંધિત મુદ્દાઓ પણ યુનિયનોની માંગમાં સામેલ છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે PLI યોજના હાલ સ્થગિત કરવામાં આવી છે, જ્યારે પાંચ દિવસના બેંકિંગ વીક અંગે ચર્ચા ચાલુ રહી છે.

 

Share :

સંબંધિત સમાચાર