ફાઇનલી ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ? આ એક માંગ પર ઈરાન સમાધાન માટે તૈયાર, US સાથે ડીલની ચર્ચા તેજ
Strait of Hormuz: અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે ન્યૂયોર્કમાં બંને દેશો વચ્ચે સંભવિત તબક્કાવાર સમજૂતી અંગે ચર્ચા ચાલી રહી છે. આ પ્રસ્તાવમાં ઈરાન દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવું અને અમેરિકા દ્વારા ઈરાન પર લગાવવામાં આવેલી આર્થિક નાકાબંધી તથા દબાણમાં રાહત આપવાનો સમાવેશ થઈ શકે છે. જોકે, હજુ સુધી કોઈ અંતિમ સમજૂતીની સત્તાવાર જાહેરાત થઈ નથી અને અનેક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે મતભેદ યથાવત છે.
રોયટર્સના અહેવાલ મુજબ, વાતચીતથી જોડાયેલા ઈરાની, પ્રાદેશિક અને પશ્ચિમી સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને પક્ષો સંકટમાંથી તબક્કાવાર બહાર આવવાનો રસ્તો શોધી રહ્યા છે. સંભવિત વ્યવસ્થા હેઠળ શરૂઆતમાં અમેરિકી નાકાબંધીમાં રાહત અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર ફરી શરૂ કરવાની દિશામાં પગલાં લેવામાં આવી શકે છે. તેના બદલામાં ઈરાનને આર્થિક રાહત અને સંભવિત રીતે ફ્રીઝ કરાયેલી સંપત્તિ સુધી પહોંચ મળવા અંગે પણ ચર્ચા થઈ રહી છે.
આ ચર્ચામાં ટ્રાન્ઝિટ ફીનો મુદ્દો પણ મહત્વનો છે. અહેવાલ મુજબ ઈરાન હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલવાની પોતાની માંગને મુખ્ય સમજૂતીથી અલગ રાખવા અંગે વિચાર કરી શકે છે. એટલે કે આ મુદ્દે તેહરાન તાત્કાલિક સમાધાન માટે તૈયાર થઈ શકે છે, પરંતુ સ્ટ્રેટ પર પોતાનું વહીવટી નિયંત્રણ જાળવી રાખવાની તેની સ્થિતિ યથાવત રહી શકે છે.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાંનું એક છે. અહીંથી વૈશ્વિક તેલ અને ગેસનો મોટો હિસ્સો સમુદ્રી માર્ગે પસાર થાય છે. તેથી સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર ફરી શરૂ થાય તો આંતરરાષ્ટ્રીય ઊર્જા બજાર અને ગલ્ફ ક્ષેત્રની સુરક્ષા પર તેની અસર પડી શકે છે. જોકે, હાલની વાટાઘાટોને જોતા સ્ટ્રેટ ચોક્કસ તારીખે સંપૂર્ણ રીતે ખુલશે એવું કહેવું હજી વહેલું છે.
ઈરાન અગાઉ પણ સંકેત આપી ચૂક્યું છે કે જો અમેરિકા સૈન્ય દબાણ ઘટાડે અને ઈરાની બંદરો પરની નાકાબંધી હટાવે, તો તે લગભગ સાત દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલી શકે છે. હવે ન્યૂયોર્કમાં ચાલી રહેલી ચર્ચામાં આ મુદ્દાને વ્યાપક સમજૂતીના સંભવિત પ્રથમ તબક્કા તરીકે જોવામાં આવી રહ્યો છે.

.jpeg)








